Novel: Murder 4 લવ,Chapter:8

મારા હાથમાં જે ચિઠ્ઠી હતી એમાં જ મર્ડરનો જડબેસલાક પ્લાન હતો.
ચિઠ્ઠી સીધી સાદી ભાષામાં હતી. કોઈ કૉડ-લેન્ગવેજ નહોતી. રોહને પેન્સિલ વડે, સાદા કાગળ પર, અંગ્રેજીમાં કેપિટલ અક્ષરોમાં લખ્યું હતું ઃ
મિટ મિ એટ
માય ફાર્મ-હાઉસ
૯-૩૦.
પ્લી. વેઈટ ઈફ
આઈ એમ લેટ
ચિઠ્ઠી મારે કરણ મલ્હોત્રાને પહોંચાડવાની હતી પણ એમાં ક્યાંય કરણનું કે રોહનનું નામ જ લખેલું નહોતું. બસ, આ જ એક 'ઑડ' ચીજને કારણે મારા દિમાગમાં એક જડબેસલાક પ્લાન ગોઠવાઈ ગયો... એક એવો પ્લાન, જેમાં શરબાની દાસગુપ્તાને હું એવી ગંદી રીતે મારવાની હતી કે છાપામાં એનો લાશના ફોટા જોઈને લોકોને ચીતરી ચડી જાય...
રોહનની મર્સિડીઝ બંગલાની બહાર જવાનો અવાજ સંભળાતો બંધ થયો કે તરત હું ઝડપભેર મારા દિમાગમાં પ્લાનની ઝીણી વિગતો બેસાડવા માંડી. અત્યારે હજી સાડા છ થયા હતા. મારી પાસે આમ જોવા જાવ તો પૂરા ત્રણ કલાક હતા. પરંતુ કદાચ એટલો સમય પૂરતો નહોતો. મારે ઝડપ કરવાની જરૃર હતી.
સૌથી પહેલાં તો મેં મારા બંગલાની લેન્ડ-લાઈન પરથી અમારા શહેરથી આશરે ૨૦૦ કિલોમીટર દૂરના એક હિલ-સ્ટેશનની જાણીતી હોટલ 'ક્રિસેન્ટ-મુન'નો નંબર લગાડયો. સામેથી મેનેજરનો અવાજ સંભળાતાં મેં કહ્યું ઃ
''મને તમારી હોટલનો બેસ્ટ વ્યુ ધરાવતો સ્વીટ શનિ-રવિ માટે જોઈએ છે. મળી શકશે?''
'શ્યોર મેડમ.'
મેં મારી ઓળખાણ આપીને કહ્યું, ''ડુ યુ માઈન્ડ ઈફ આઈ પે લેટર? હું અને મારા હસબન્ડ તમારી હોટલના રેગ્યુલર કસ્ટમર્સ છીએ.''
''અફ કોર્સ, મિસિસ દામિની ગુપ્તા! યુ આર મોસ્ટ વેલકમ. હું તમારા માટે તમારો ફેવરીટ વેલી-વ્યુવાળો રૃમ બુક કરું છું. એની અધર સ્પેશીયલ ઈન્સ્ટ્રક્શન્સ?''
''વેલ, ડુ નોટ ડિસ્ટર્બનું કાર્ડ મોટું અને નવું બનાવજો!'' હસીને મેં ફોન કટ કરી નાંખ્યો.
હવે મેં પેલી ચિઠ્ઠીને હાથમાં લીધી. રોહને ટેબલ પર પડેલી એક પેન્સિલ વડે જ લખી હતી. એમાં જ્યાં ૯-૩૦ લખેલું હતું ત્યાં ઈરેઝર વડે મેં '૩'ના આંકડાને ભૂંસીને '૦' લખી દીધું. બસ, એ ચિટ્વી પરફેક્ટલી રેડી હતી. મેં એને એક સાદા કવરમાં મૂકી દીધી.
મારો મર્ડર પ્લાન હવે એક્શનમાં મૂકવાનો હતો. મેં બહાર જતાં પહેલાં કપડાં બદલ્યાં. લાઈટ બ્લુ કલરનું ફેડેડ જીન્સ, અને એની ઉપર ટાઈટ ફીટિંગ ફૂલ-સ્લીવ ટી-શર્ટ પહેર્યું. નોર્મલી હું ટાઈટ ફીટિંગ ટી-શર્ટ પહેરતી નથી કારણકે મારું શરીર એકવડિયું છે. મારી છાતી ખાસ્સી ફ્લેટ છે. આવું ટી-શર્ટ પહેરતી વખતે મારે પેડેડ-બ્રા પહેરવી પડે છે. આજે એ પણ ના પહેરી, કારણકે મારે આકર્ષક દેખાવા કરતાં ચુસ્ત અને સ્ફૂર્તિલા રહેવાની વધારે જરૃર હતી.
ખુલ્લા વાળને પાછળથી પોની લઈને મેં બાંધી દીધા. ઉપર ગોલ્ફ-કેપ પહેરી. એ જ ક્ષણે મને યાદ આવ્યું ઃ રોહન પાસે ગોલ્ફ-સ્ટીક્સનો આખો સેટ છે! અમારા રૃમમાં જઈને મેં લગભગ એક ડઝન ગોલ્ફ સ્ટીક્સમાંથી સૌથી મજબૂત ગ્રીપવાળી અને સૌથી વધારે વજનવાળી સ્ટીલની સ્ટીક પસંદ કરી. એક બે વાર હવામાં વીંઝીને જોઈ લીધું કે મને ફાવે છે કે નહિ.
મારી રેડ શેવરોલેટ કારની પાછલી સીટમાં તે ગોલ્ફ સ્ટીક નાંખી, આગલી સીટમાં મારી પર્સ મૂકી, જેમાં મારી નાનકડી નવી રિવોલ્વર હતી. હવે હું તૈયાર હતી. મેં કારને સ્ટાર્ટ કરી ગિયરમાં નાંખી...
શરબાની દાસગુપ્તાની ઓફિસ જ્યાં આવેલી છે એ બિલ્ડિંગની બહાર મારી કાર પહોંચી ત્યારે ૭.૩૦ વાગી ચૂક્યા હતા. શરબાની હજી ઓફિસે હોય તો સારું. નહિંતર...
''એય બાબલા!'' રસ્તે જતા એક છોકરાને મેં ઊભો રાખ્યો. એ ચાયની કીટલીવાળો બૉય લાગતો હતો. મેં એના હાથમાં સીધી ૫૦૦ની નોટ પકડાવી. ''મેરા એક કામ કરેગા?''
''જી મેડમ!'' એની આંખો ચમકવા લાગી.
''જો, આ બિલ્ડિંગના સાતમે માળે શરબાની દાસગુપ્તા નામની એક મેડમની ઓફિસ છે. તારે જઈને આ કવર એને હાથોહાથ આપવાનું છે. હાથોહાથ એટલે હાથોહાથ! કહેવાનું કે સા'બને ભેજા હૈ... સા'બ ને! સમજ્યો? જા ફટાફટ આપીને આવ, તને બીજા ૫૦૦ આપીશ.''
છોકરો કવર લઈને દોડયો. બિલ્ડિંગની લિફ્ટમાં ઝડપથી ઘૂસતો દેખાયો. આ તરફ હું શેવરોલેટમાં બેઠી બેઠી જસ્ટ વિશ કરી રહી હતી કે શરબાની કોઈ મીટિંગમાં ના હોય... પણ ધારો કે એ નીકળી ગઈ હશે તો?
દસ મિનિટ થઈ ગઈ છતાં પેલો છોકરો પાછો આવતો ના દેખાયો. મારો જીવ અધ્ધર થઈ રહ્યો હતો. જો શરબાની અહીંથી નીકળી જાય તો એને સ્પોર્ટસ ક્લબમાં પકડવી પડે. પણ તો તો બહુ મોડું થઈ જાય...
આખરે પૂરી પંદર મિનિટે છોકરો પાછો આવ્યો. એના ચહેરા પર ચમક હતી. ''મેડમ મીટિંગ મેં થી. ફિર ભી મૈં તો અંદર ઘૂસ ગયા! બોલા, અરજન્ટ હૈ, અરજન્ટ! એકદમ હાથમેં કવર દિયા હૈ... અબી મેરા પાંચસો?''
મેં એને ૫૦૦ની બીજી ત્રણ નોટ આપી. ''આ વધારાની નોટો ચૂપ રહેવા માટે છે, સમજ્યો? કોઈને કહેવાનું નથી.''
''સમજ ગયા મેડમ!'' એ સલામ કરતો નોટો ખિસ્સામાં ખોસીને ભાગ્યો.
મને હાશ થઈ. શરબાનીએ ચિઠ્ઠી જોઈ હશે. રોહનના અક્ષરો ઓળખી લીધા હશે. ફ્રાઈડે નાઈટનો તો એમનો જૂનો સિલસિલો હતો. પણ છેલ્લા ચાર ફ્રાઈડેથી રોહન સતત મારી સાથે જ રહેતો હતો. એમની વચ્ચે કદાચ વાતચીત થતી હશે, પણ પેલી 'હૉટ-મીટિંગ્સ'નો સિલસિલો તૂટી ગયો હતો. એવામાં રોહનની ચિઠ્ઠી જોઈને શરબાનીને શું ફીલિંગ્સ થઈ આવી હશે?
એ બધું વિચારવાનો સમય નહોતો કારણકે અહીંથી મારે 'પ્લેઝર ક્લબ' જવાનું હતું. આ સાંજના પિક-અવર્સના ટ્રાફિકમાં શહેરના છેડે આવેલી પ્લેઝર ક્લબમાં જવું એટલે કમ સે કમ ૩૦ મિનિટ તો ખરી જ... અત્યારે ૭.૪૫ થઈ ચૂકી હતી.
મેં શેવરોલેટને ખરેખર ઝડપથી ભગાવી. પ્લેઝર ક્લબ આગળ જ્યારે મેં કારને બ્રેક મારી ત્યારે એક્ઝેક્ટલી ૮.૧૦ થઈ હતી.
કારમાંથી ઊતરતાં પહેલાં મેં કેપ કાઢી નાંખી. વાળ ખુલ્લા કર્યા. પર્સમાંથી લિપસ્ટીક કાઢીને હોઠ પર લગાવી. આઈ-શેડો ટચ-અપ કર્યો અને અહીં અમસ્તી લટાર મારવા આવી હોઉં તેમ પ્લેઝર ક્લબમાં દાખલ થઈ.
કરણ મલ્હોત્રા બિલિયર્ડ રૃમમાં હતો. મેં એને દૂરથી જોયો.
ટેબલ પર ઝૂકીને તે લાંબી સ્ટીક વડે 'સ્ટ્રોક' મારતાં પહેલાં કોન્સન્ટ્રેટ કરી રહ્યો હતો. તેના વાંકડિયાં જુલ્ફાં કપાળ પર લટકી આવ્યાં હતાં. તેની પાતળી લાંબી આંગળીઓ વચ્ચે બિલીયર્ડ સ્ટીક નિશાન લેવા તોળાઈ રહી હતી. ઊંડો શ્વાસ લઈને પાતળિયું શરીર સ્થિર કરતાં એણે 'પ્રિસાઈઝ સ્ટ્રોક' માર્યો.
''વાઉ, વૉટ અ સ્ટ્રોક!'' મેં પાછળથી આવીને કહ્યું.
કરણે હિટ કરેલો બોલ બીજા બોલને ટકરાઈને દિશા બદલતાં ત્રીજા બોલને હળવેકથી ટકરાયો... અને એ ત્રીજો બોલ આરામથી ત્રાંસમાં રગડીને બિલીયર્ડ ટેબલના હોલ-પોકેટમાં સરકી ગયો હતો.
''ઓ, હલો મિસિસ ગુપ્તા!'' એણે મને જોઈને સ્માઈલ આપ્યું. ''વુડ યુ લાઈક ટુ પ્લે?''
મેં એના કોટ પર મારી હથેળી ફેરવી ''આઈ પ્લે સમ અધર ગેઈમ્સ. બટ આઈ મસ્ટ સે, આઈ લાઈક યોર માઈલ્ડ સ્ટ્રોક્સ!''
મારા અવાજની માદકતા અને આંખોની શરારતથી એ જરા નર્વસ થઈ ગયો. ''થેન્કસ.''
''વેલ, હું રોહનનો એક અરજન્ટ મેસેજ આપવા આવી છું, કરણ.'' મેં મારો અવાજ ધીમો કરતાં કામની વાત કરી. ''તમે અમારી કંપનીમાં જોડાઈ રહ્યા છો ને? વેલકમ! રોહને કહેવડાવ્યું છે કે તમારી મીટિંગ અમારા ફાર્મ-હાઉસ પર રાખી છે. અત્યારે, ૯.૩૦ વાગે.''
''ઓ, શ્યૉર!'' પોતાની રિસ્ટ-વૉચ તરફ જોતાં કરણ બોલી ઊઠયો ''આઈ વિલ બી ધેર. અહીંથી ફાર્મ હાઉસનો રસ્તો વીસેક મિનિટનો જ છે ને? આઈ વિલ ગેટ ધેર ઈન ટાઈમ.''
''હજી તો વાર છે...'' મેં એના હાથમાંથી બિલીયર્ડ સ્ટિક લઈ લીધી. ''ડુ યુ વૉન્ટ મિ ટુ ગિવ યુ કંપની? એકાદ બે ડ્રીંક થઈ જાય?''
''વેલ, નો.'' કરણ શરમાઈ રહ્યો હતો, કે મને એવોઈડ કરી રહ્યો હતો, એ મને સમજાતું નહોતું. હકીકતમાં કરણ ફાર્મ હાઉસ પર પહોંચે એ પહેલાં શરબાની પહોંચવાની હતી. મારે તો એ બન્નેની પહેલાં પહોંચવાનું હતું. છતાં હું કરણ મલ્હોત્રા જોડે ફ્લર્ટિંગ કરી રહી હતી!
ખબર નહિ કેમ, મને કરણ બહુ જ ગમી ગયો હતો. મેં પૂછ્યું ''વ્હેર ઈઝ યોર વાઈફ? યોર બ્યુટીફૂલ કાશ્મીરા...''
''એ ઘરે હશે...'' કરણે મારો હાથ છોડાવ્યો. ''હું જરા મારી ગેઈમ ફિનિશ કરી લઉં? આપણે ફરી કોઈક દિવસ સાથે ડ્રીંક્સ લઇશું. ઓકે?''
મેં એનો હાથ છોડી દીધો. મને ખબર હતી કે એની કાશ્મીરા સામે હું કંઇ જ નહોતી. આમેય મારું પાતળું શરીર, લાંબું નાક, પહોળી આંખો અને ઓછી હાઇટને કારણે પુરુષો મારા તરફ 'આકર્ષાતા' તો નથી જ. આ તો હું જ મારી સેક્સી વાતો અને એગ્રેસીવ બોડી-લેંગ્વેજથી અમુક પુરુષોને મારામાં રસ લેતા કરી શકું છું. જોકે મારી એ જાળ પણ બહુ લાંબો સમય એમને ફસાવી શકતી નથી. માત્ર મારો હસબન્ડ રોહન જ એવો પુરુષ હતો જેને મેં બરોબર મારી છાતીસરસો જકડીને રાખ્યો હતો.
પરંતુ એને પણ શરબાનીએ આંચકી લીધો હતો...
આજે એ શરબાનીનો હિસાબ ચૂકતે કરવાનો દિવસ હતો. મેં ઘડિયાળમાં જોયું. ૮.૨૦ થઇ રહી હતી. શરબાની જો ટાઇમસર આવે તો મારી પાસે માત્ર ૪૦ મિનિટ હતી...
૨૦ મિનિટમાં હું મારી શેવરોલેટ લઇને મારા ફાર્મહાઉસ પર પહોંચી ગઇ. મારા અને રોહનનાં લગ્ન થયાં ત્યારથી મેં ફાર્મ હાઉસમાં નિયમ કર્યો છે ઃ નો સર્વન્ટ્સ ઓન ફ્રાઇડે, સેટર ડે એન્ડ સન્ડે. (એટલે જ તો શરબાની અને રોહન અહીં એવરી ફ્રાઇડે નાઇટે રંગરેલિયાં મનાવવા આવતાં હતાં!)
અમારું ફાર્મ હાઉસ હાઇવેથી ખાસ્સું દૂર છે. આસપાસ બીજી કોઇ વસ્તી પણ નથી. મેં મારી શેવરોલેટ ફાર્મ હાઉસની આગળના ભાગે પાર્ક કરવાને બદલે છેક પાછળ, અંદરના ભાગે લઇ જઇને ઊભી રાખી.
અંદરથી હું મારી પર્સ અને ગોલ્ફ-સ્ટીક લઇને ફાર્મહાઉસમાં આવી પહોંચી. મુખ્ય દરવાજો ખોલી, માત્ર એક જ ડીમ લાઇટ ચાલુ કરીને આખા કોટેજની સિચ્યુએશન તપાસી લીધી. નોકરો બધું સાફસૂફ કરીને દરેક ચીજ વ્યવસ્થિત રીતે ગોઠવીને ગયા હતા.
દરવાજો ચાવી વડે અંદરથી બંધ કરી, લાઇટ્સ બંધ કરીને હું સોફા પર બેસી ગઇ. મારા હાથમાં રિવોલ્વર હતી. હવે હું તૈયાર હતી...
બરાબર નવ વાગ્યે ફાર્મહાઉસના ઝાંપામાં મેં યલો કલરની 'નેનો' દાખલ થતી જોઇ. કાર આવીને ઊભી રહી. હેડલાઇટ્સ ઓફ થઇ. અંદરથી માત્ર એક જ વ્યક્તિ ઊતરી. એ શરબાની હતી.
અંધારામાં, મુખ્ય દરવાજાની બિલકુલ ત્રાંસી સાઇડે, ડાબી બાજુની દીવાલને મારી પીઠ અડાડી, હું રિવોલ્વર લઇને તૈયાર ઊભી હતી. થોડી સેકન્ડો પછી બહાર ઓટલાની લાઇટ ઓન થઇ. પછી દરવાજાના કી-હોલમાં ચાવી ફેરવવાનો અવાજ આવ્યો.
હું મનોમન બબડી ''બ્લડી બિચ! મારા ફાર્મ હાઉસની ચાવી પણ તારી પર્સમાં રાખે છે.''
દરવાજો ખૂલ્યો. શરબાની દાખલ થઇ. દરવાજાની જમણી બાજુ હાથ લંબાવી તેણે લાઇટ્સની ચાંપો દાબી. મેઇન રૃમ પ્રકાશિત થઇ ગયો. એની પીઠ મારી તરફ હતી. મારી હાજરીની તો એને શંકા સુધ્ધાં નહોતી. એણે પર્સમાં ચાવી પાછી મૂકી તેણે પર્સ સોફામાં ફેંક્યું.
બસ, એ જ ક્ષણે મેં રિવોલ્વર તાકીને ધીમા અવાજે કહ્યું ''શરબાની! ડોન્ટ મૂવ...''
શરબાની થંભી ગઇ. ધીમેથી એ મારી તરફ ફરી. એણે બ્રાઇટ રેડ કલરનું ટોપલેસ વન-પિસ પહેર્યું હતું. ટાઇટ ફીટિંગને કારણે એના સ્તનનો ઊભાર છેક દૂરથી દેખાઇ રહ્યો હતો. આઇ-લેશિશ ઉપર લાઇટ-બ્લુ શેડ અને પાંપણ પર ડાર્ક બ્લેક મસ્કરા લગાડેલું હતું. કદાચ એણે લાઇટ બ્લુ કલરના કોન્ટેક્ટ લેન્સ પણ પહેર્યા હતા. ચહેરા પર હેવી મેકપ હતો. એના લાલ હોઠ વધારે પડતા લિપ-ગ્લોસને કારણે ચમકી રહ્યા હતા.
ટૂંકમાં, એ મારા રોહનને 'માણવા' માટે આજે ખાસ 'તૈયાર' થઇને આવી હતી! એટલે જ એ મને જોઇને ચોંકી ગઇ.
''દામિની, તું?''
'ડૉન્ટ મૂવ એન ઈન્ચ!' મેં પિસ્તોલ તાકેલી રાખીને કહ્યું.
''ઓહ, શું વાત છે! તું મારું મર્ડર-બર્ડર કરવાનો વિચાર કરતી લાગે છે!'' એ ખરાબ રીતે હસી.
''નોટ એટ ઓલ.'' મેં કહ્યું ''મને ખબર છે કે થોડી જ વારમાં અહીં રોહન આવશે. મારો વિચાર તો તને રોહન આગળ જરા જુદી રીતે ઉઘાડી પાડવાનો છે.''
''વોટ ડુ યુ મિન?''
''સ્ટ્રીપ...'' મેં કહ્યું ''કપડાં ઉતાર!''
'હેં?'
''તેં સાંભળ્યું નહિ?'' મેં કડક અવાજે કહ્યું ''તારું આ જે ટાઇટ ફિટિંગ વન-પિસ છે ને, એ ઉતાર!.. અને એની ચેઇન ખોલવા હું તારી નજીક નથી આવવાની! યાદ રાખ, મારા હાથમાં રિવોલ્વર છે, અને એ લોડેડ છે!''
એ બે ક્ષણ માટે અચકાઇ. પછી ખભા ઉલાળતાં એણે વન-પિસની ચેઇન ખોલવા માંડી ''દામિની, રોહને તો આ બદનને ઉઘાડું જોયું જ છે! હવે તું પણ જોઇ લે... બાય ધ વે, આર યુ લેસ્બિયન?''
''શટ અપ!'' મેં રાડ પાડીને પિસ્તોલ વડે એના કપાળનું નિશાન લીધું.
એ થથરી ગઇ. પીઠ ફેરવીને તે પોતાનું વન-પિસ ઉતારવા લાગી. દરમ્યાનમાં મેં પાછાં ડગલાં ભરીને સોફા પર પડેલી એની પર્સ ખોલીને ઊંધી વાળી. એમાંથી બીજી બધી સામગ્રીઓ સાથે એની પોતાની રિવોલ્વર પણ નીકળી આવી.
મેં એ રિવોલ્વર ઉપાડીને તરત એનું સેફટી કેચ ખોલી નાંખ્યું. હવે મારા બન્ને હાથમાં રિવોલ્વરો હતી.
શરબાનીએ એનું વન-પિસ ઉતારી નાખ્યું હતું. હવે તે માત્ર બ્લેક કલરની બ્રા અને પેન્ટીમાં હતી. મેં પાછળથી જઇને એની પીઠ પર રિવોલ્વર ધરીને કહ્યું ઃ
''મૂવ.. દીવાલ તરફ જા.''
એ વોલ પાસે જઇને અટકી. એના શરીર અને દીવાલ વચ્ચે એકાદ ફૂટનું અંતર હશે. એ હજીયે ટેન્શનમાં નહોતી લાગતી.
''લુક દામિની, તું શું સાબિત કરવા માગે છે એની મને ખબર નથી પણ-''
એનું વાક્ય અધૂરું જ રહી ગયું. કારણ કે મેં, માત્ર ચાર ફૂટના અંતરેથી એની પીઠ પર બરોબર એવી જગાએ બે ગોળીઓ ધરબી દીધી કે તે સીધી એના હાર્ટમાં ઘૂસી જાય...
આ ગોળીઓ મેં શરબાનીની જ રિવોલ્વરથી ચલાવી હતી.
શરબાની ઢળી પડી. દીવાલ તરફ પડવાને બદલે એનું શરીર મારી બાજુ ઢળ્યું. હું ઝડપથી પાછળ હટી ગઇ. બેમાંથી એક બુલેટ એની છાતીમાંથી આરપાર નીકળી ગઇ હતી. એમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
બહુ જ ફ્રેન્કલી કહું તો, શરબાનીની છાતીમાંથી વહેતા એ લોહીને જોઇને મને સહેજ પણ ગભરામણ થઇ નહિ! બલ્કે, મને એક જાતની 'સેટિસ્ફાઇંગ' ફીલિંગ થવા લાગી હતી...
જે શરબાનીએ મારા રોહનને છીનવી લીધો હતો, જે શરબાનીએ મને ચેલેન્જ આપી હતી કે રોહનને હું ત્યારે જ છોડીશ જ્યારે હું નક્કી કરીશ... એ શરબાની મારી સામે, મારા જ ફાર્મહાઉસમાં, જ્યાં એ મારા રોહનના શરીરને ઉઘાડેછોગ 'કન્ઝ્યુમ' કરતી હતી ત્યાં જ.. ફર્શ પર તરફડી રહી હતી. શરબાનીનું શરીર મજબૂત અને માંસલ હતું. એ કંઇ તરત જ ઠંડંુ પડી જાય એવું નહોતું. પણ એની છાતીમાં બબ્બે ગોળીઓ હતી. શરબાની ફર્શ પર ઘણું તરફડી... છેલ્લે છેલ્લે તો એ રહ્યુંસહ્યું જોર ભેગું કરીને બેઠી પણ થઇ જાત, પણ આખરે એ ફસડાઇ પડી.
એની આસપાસ એના જ લોહીનું ખાબોચિયું હતું.
મેં ઘડિયાળમાં જોયું, બરોબર ૯.૧૫ થઇ હતી. મારી પાસે સમય હતો. પણ મારે અહીં કશું છુપાવવાનું નહોતું. ફર્શ પરથી લોહીના ડાઘા પણ સાફ કરવાના નહોતા.
બલ્કે, હજી કરણ મલ્હોત્રાના આવવાની રાહ જોવાની હતી. કારણકે એ અહીં આવે, તો જ મારા મર્ડર પ્લાનમાં પરફેકશન આવે એમ હતું.
૯.૩૦ થવામાં હવે જૂજ મિનિટો બાકી હતી. મારે નવી તૈયારીઓ કરવાની હતી. આ વખતે ફાર્મહાઉસની લાઇટો બંધ કરવાને બદલે ચાલુ જ રહેવા દેવાની હતી..
મને દૂરદૂરથી કોઇ વાહનની ઘરઘરાટી સંભળાઇ રહી હતી. એ કોણ હશે? કરણ કે રોહન?
છેક અત્યારે મને વિચાર આવ્યો કે કરણ આવે એ પહેલાં જો રોહન આવી ચડે તો?
આ વાત તો મેં વિચારી જ નહોતી!
હવે?
(ક્રમશઃ)Jay Nagar