Novel: Murder 4 લવ,Chapter:1


http://novel-murder-4-love.blogspot.in/

હા, મેં ખૂન કર્યું છે પણ પ્રેમને ખાતર......

મારું નામ વિનાયક ચૌહાણ છે. છેલ્લાં પંદર વરસથી પોલીસ ખાતામાં ઇન્સ્પેક્ટરની નોકરી કરું છું.
મેં મારી જિંદગીમાં સેકડો મર્ડર કેસોની કહાનીઓ સાંભળી છે. ડઝન જેટલા મર્ડર કેસ તો મેં જાતે ઇન્વેસ્ટીગેટ કરેલા છે. પણ આ ટ્રિપલ- મર્ડર કેસ  જેવો કેસ મેં મારી જિંદગીમાં નથી જોયો.
હકીકતમાં તો આ કેસ મારી કેરિયર પર કાળો ડાઘ સાબિત થવાની અણી પર હતો. એક સમય બબ્બે મર્ડર થઇ ગયા પછી હું પંદર પંદર દહાડા સુધી ફાંફાં મારતો રહ્યો, પરંતુ મને એક કડી સુધ્ધાં જડી નહિ. મારા સિનિયરો આ કેસની તપાસમાં જોડાયા, સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરોએ ઇન્વેસ્ટીગેશનો કર્યા... પણ પરિણામ શૂન્ય. ખૂનના બાવીસ-બાવીસ દિવસ પછી પણ આખું ડિપાર્ટમેન્ટ જાણે અંધારામાં બારી દરવાજાઓ શોધી રહ્યું હતું.
કેસ હાઇ-પ્રોફાઇલ હતો. શહેરની બે નામી અને અત્યંત પૈસાદાર વ્યક્તિઓનાં ખૂન થયાં હતાં. છાપાંઓ અને લોકલ ચેનલોએ અમારો જીવ ખાવામાં કંઇ જ બાકી રાખ્યું નહોતું.
છેવટે એક સાંજે મને કમિશનર ઓફિસમાંથી મેસેજ આવી ગયો ઃ 'ઇન્સ્પેક્ટર ચૌહાણ, કાલે સાહેબની ચેમ્બરમાં ૧૦ વાગે પહોચી જજો. સાહેબ તમને પર્સનલી મળવા માગે છે.'
હું જાણતો હતો કે બીજા દિવસે સવારે ૧૦ વાગે મારા કમિશનર સાહેબ મારા હાથમાં મારી ટ્રાન્સફરનો ઓર્ડર પકડાવશે. ઉપરથી મને ખખડાવશે ઃ ''વિનાયક ચૌહાણ, યુ હેવ બ્રોટ અ ગ્રેટ ડિસગ્રેસ ટુ અવર ડિપાર્ટમેન્ટ, આઇ એમ રીયલી અશેમ્ડ ઓફ યુ..''
હા, સરકારી નોકરી છે. એટલી બદલીથી વધારે સજા થઇ શકે એમ નહોતી પણ મારા માટે આ મારી કેરિયર પર કાળો ધબ્બો હતો. ડબલ મર્ડરને મહિનો વીતી ચૂક્યો હતો અને મારી પાસે શંકાઓ સિવાય કંઇ જ નહોતું.
એ રાત્રે હું એટલો બધો હતાશ થઇ ગયો કે પોલીસ સ્ટેશનમાં જ, મારા ટેબલ-ખુરશી પર બેસીને હું દારૃની બોતલ ખોલીને બેહોશીમાં સરી જવા માગતો હતો. ત્યાં એક પાતળી સરખી, ઊંડી આંખોવાળી સ્ત્રી મારા રૃમમાં આવીને કહે છે ઃ
''ઇન્સ્પેક્ટર સાહેબ, મેં બે નહિ, ત્રણ ખૂન કર્યા છે ? પણ માત્ર અને માત્ર મારા પતિના પ્રેમ ખાતર...''
હું સ્તબ્ધ થઇ ગયો હતો.
એ સ્ત્રીએ રેડ કલરનું બંધ ગળાવાળું ફુલ-સ્લીવનું ટી-શર્ટ પહેર્યું હતું. આમેય એનું શરીર સાવ પાતળું હતું એમાં આ ટી-શર્ટને લીધે એ વધારે પાતળી અને ખોખલી લાગતી હતી. લાલ ટી-શર્ટ નીચે એણે એક વિચિત્ર ટાઇપની સલવાર પહેરી હતી, જેનો આકાર સહેજ ધોતિયા જેવો દેખાતો હતો. આજકાલની સ્ત્રીઓ આવું સલવાર મોટે ભાગે સિલ્કની કે કોટનની કુરતી સાથે પહેરતી હોય છે. પરંતુ આણે લાંબી બાયના લાલ ટી-શર્ટ સાથે પહેર્યું હતું. વળી, સલવાર લાઇટ બ્લુ કલરની ઝીણી ઝીણી ફુલપત્તીની ડિઝાઇનવાળું સિલ્ક મટિરીયલનું હતું, જેના કારણે આખું કોમ્બિનેશન કંઇક વિચિત્ર લાગતું હતું.
એનો ચહેરો સહેજ શ્યામ હતો, પણ એના બેસી ગયેલા ગાલ ખરબચડા હતા. આંખો લાંબી અણીદાર અને હેવી કાજલના લપેડાથી ભરેલી હતી પણ આંખની કીકીઓ એકદમ ઊંડી ઊતરી ગયેલી હતી. એ આંખો જોઇને હું બે ઘડી ધૂ્રજી ગયો હતો. કારણ કે એમાં કોઇ ઝેરીલી નાગણ જેવી કાતિલ ચમક હતી.
નાક લાંબું અને અણીદાર, હોઠ તદ્દન પાતળાં વાળ ખભા સુધીના પણ એકદમ સીધા અને સપાટ. એણે પાતળા હોઠ પર ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટીકનો લપેડો કરી રાખ્યો હતો.
ટૂંકમાં એ હાઇ-સોસાયટીની 'અગ્લી બ્યુટી' હતી, એને હું અગાઉ પણ મળી ચૂક્યો હતો પણ તે વખતે તે આટલી ઝેરીલી અને કઢંગી નહોતી લાગતી. એનું નામ મિસિસ દામિની ગુપ્તા હતું.
''મારું બયાન લો, ઇન્સ્પેક્ટર ચૌહાણ !'' નાગણ કૂંફાડો મારતી હોય એવા હિસકારા સાથે દામિનીએ મારી શરાબની બોટલ હાથમાં લઇને સીધી પોતાના મોઢે માંડી દીધી.
સળંગ ચાર પાંચ ઘૂંટડા ભર્યા પછી એણે લાલ ટી-શર્ટની બાંય વડે પોતાનો કાળો પાતળો હોઠ લૂંછતા ધૂ્રજતા અવાજે ફરી કહ્યું ''મેં બે નહિ, ત્રણ ખૂન કર્યા છે... પણ માત્ર મારા હસબન્ડના લવ માટે..''
હું ખરેખર અચંબામાં હતો કે આટલી પાતળી કાયા ધરાવતી નબળી, બીમાર લાગતી સવા પાંચ ફૂટની આ સ્ત્રી ત્રણ ત્રણ મર્ડર શી રીતે કરી શકે ?
પરંતુ એણે ત્રણ ખૂન કર્યા હતા એ હકીકત હતી. અને એ પણ ઉશ્કેરાટમાં નહિ, આવેશમાં નહિ. ઝનૂનમાં નહિ, ક્ષણિક ગુસ્સાના ઉભરામાં નહિ, બલ્કે ઠંડે કલેજે પ્લાનિંગ સાથે કર્યા હતાં.
હવે તમને આગળ શું કહું ?
એ રાત્રે, એ જ વખતે મેં દામિની ગુપ્તાનું બયાન રેકોર્ડ કર્યું. તમે પોતે જ સાંભળો એ બયાન...
***
મારું નામ મિસિસ દામિની ગુપ્તા છે અને મેં ત્રણ ખૂન કર્યા છે. મારી જાતે, ઠંડે કલેજે, પૂરેપૂરા પ્લાનિંગ સાથે અને હોશોહવાસમાં રહીને મેં આ ત્રણે ખૂનોને અંજામ આપ્યો છે અને મને એ બદલ કોઇ જ અફસોસ નથી.
મેં આ ત્રણે ખૂન મારા પતિ માટેના ભરપૂર પ્રેમને કારણે જ કર્યા છે. મારા પતિનું નામ રોહન ગુપ્તા છે.
અસલમાં એનું નામ રોહન કોહલી હતું પરંતુ મને પરણ્યા પછી મેં એની અટક બદલાવી નાંખી. સામાન્ય રીતે છોકરીઓ પતિની અટક અપનાવતી હોય છે પરંતુ હું કંઇ સામાન્ય છોકરી નથી.
શહેરના નામાંકિત બિઝનેસ ટાયકૂન રાજહંસ ગુપ્તાની હું એકની એક દીકરી છું. બાળપણથી જ હું આવી પાતળી અને શ્યામળી હતી, પણ એ વાતથી હું ક્યારેય પાછી પડી નથી. બલ્કે બાળપણથી જ મને બ્યુટિફુલ છોકરીઓ પ્રત્યે સખત ચીડ હતી. મને ખબર છે કે છેક કિન્ડર ગાર્ટનથી લઇને કોલેજ સુધી મારી સાથે ભણતી તમામ બ્યુટિફૂલ છોકરીઓએ મને સખત હેઇટ કરી છે. પણ એનું કારણ એક જ છે ઃ મને જે જોઇએ છે એ હું મેળવીને જ રહી છું.
અમારી હાઇસ્કૂલમાં એકવાર બ્યુટી-કોન્ટેસ્ટ થઇ હતી. મેં મારા ડેડીને કહ્યું કે 'ગમે તે થઇ જાય, આ કોન્ટેસ્ટ મારે જીતવી જ છે !'
બસ, ખલાસ ! મારા ડેડીએ બ્યુટી-કોન્ટેસ્ટના ત્રણેય જજોને ઘરે બોલાવીને બંધ બારણે એવી જબરદસ્ત ''લાલચ''અને ''હૂલ'' આપી... કે હું બ્યુટી-કોન્ટેસ્ટ શાનદાર રીતે જીતી ગઇ, એ વખતે આખા હોલમાં સોપો પડી ગયો હતો, બટ આઇ ડોન્ટ કેર...
એ પછી મારી સ્કૂલની તમામ છોકરીઓએ મારો બોયકોટ કર્યો. કોઇ મારી સાથે વાત કરવા તૈયાર નહોતું. ઠીક છે, અઠવાડિયા સુધી મેં આ ચલાવી લીધું. પછી મેં બરોબર પ્લાન કરીને મારો વળતો હુમલો કર્યો.
સ્કૂલની સૌથી બ્યુટિફૂલ છોકરીને મેં લેડીઝ ટોઇલેટમાં એકલી બોલાવીને એના ચહેરા પર એસિડ ફેંકી દીધો ! એ અંદર ચીસો પાડતી હતી ત્યારે એનાથી પણ મોટી મોટી ચીસો પાડતી હું પ્રિન્સિપાલની કેબિનમાં ધસી ગઇ અને કહેવા લાગી કે ''બચાવો ! બચાવો ! પેલી છોકરી મારા ચહેરા પર એસિડ નાંખવા મારી પાછળ પડી છે !!''
મેં આખો કેસ જ ઉલટાવી નાંખ્યો હતો.
મારા ડેડીની ધાક અને મારી જીદ વડે મેં પેલી બ્યુટિફુલ છોકરીને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાવડાવી ત્યારે જ મને શાંતિ થઇ. એ દિવસે મેં મારી ક્લાસની દરેક છોકરીને મોબાઇલમાં એસએમએસ કર્યો ઃ ''ડોન્ટ યુ વોન્ટ માય ફ્રેન્ડશીપ ? ઓફ કોર્સ, યુ વોન્ટ ટુ બિ ફ્રેન્ડલી વિથ મિ ! યુ આર અ ગુડ ગર્લ..''
બીજા દિવસથી ઝખ મારીને મારી ક્લાસમેટ્સ મને ''હાય ! હલો ! હાઉ આર યુ દામિની...'' કરતી થઇ ગઇ હતી. મારી એવી જોરદાર ધાક હતી કે મારા બર્થડેના દિવસે સ્કૂલની છોકરીઓ તરફથી મને વધુમાં વધુ ગિફ્ટો મળતી હતી. ધે હેડ નો અધર ચોઇસ !
જોકે કોલેજમાં મારી ધાક એટલી રહી નહિ, યુસી, છોકરીઓ મોટી થાય એટલે જરા હિંમતવાળી થઇ જતી હોય છે, એમાંય વળી ખૂબસૂરત દેખાતી છોકરીઓને હિંમત આપનારા હેન્ડસમ બોયફ્રેન્ડનો તોટો નથી હોતો. છતાં કોલેજમાં મને છંછેડવાની કદી કોઈએ કોશિશ કરી નહોતી. ઊલટું, હું જ અમુક બ્યુટિફૂલ છોકરીઓને મારી કારમાં લિફટ આપીને, મોંઘી રેસ્ટોરન્ટમાં ટ્રિટ આપીને કે મારા ઘરે પાર્ટીમાં ઈન્વાઈટ કરીને મારી ફ્રેન્ડશીપમા રાખવા માટે સતત ટ્રાય કરતી રહેતી હતી.
એની પાછળ મારી બીજી ગેઈમ હતી. પહેલાં હું બ્યુટિફૂલ છોકરીઓની ફ્રેન્ડશીપ કરતી. પછી એમના હેન્ડસમ બોય ફ્રેન્ડ્ઝને પણ સાથે ઇન્વાઈટ કરીને મારા મોંઘા એન્જોયમેન્ટમાં ઇન્વોલ્વ કરતી. પછી લાગ જોઈને એકાદ મોસ્ટ હેન્ડસમ છોકરાના ડ્રિન્કમાં કંઈક ભેળવીને એને હું સિડયુસ કરી નાંખતી!
બીજી સવારે એ હેન્ડસમ છોકરાની ખાસ ગર્લફેન્ડને આખી વાતની જાણે અકસ્માતે ખબર પડી જાય એવો ડ્રામા પણ હું જ ઊભો કરતી. છેવટે પેલા કોલેજમા બેસ્ટ ગણાતા કપલ વચ્ચે જે તડાફડી ઝગડમ્ ઝગડી અને રડારોડ થાય એ હું ચૂપચાપ ખૂણામાં ઊભી ઊભી જોઈને ખૂબ જ ખુશ થતી.
એ વખતે હું કોલેજ કરતાં બ્યુટીપાર્લરમાં વધારે ટાઈમ ગાળતી હતી. મને ખબર હતી કે હું બ્યુટીફૂલ નથી. પણ બ્યુટીપાર્લરો હોય છે શેના માટે? મારી હેરસ્ટાઈલ હું બબ્બે મહિને ચેઈન્જ કરાવી નાંખતી. ક્યારેક માથામાં જુદી જુદી વિગ પણ પહેરતી. ચહેરા પર સૌથી મોંઘા ઈમ્પોર્ટેડ કોસ્મેટિક્સનો ઉપયોગ કરાવતી. મને ખબર છે, હું નેચરલ બ્યુટી નથી. પણ હું રસ્તા પરથી પસાર થાઉં ત્યારે રસ્તા પરનો એક એક છોકરો મારી તરફ એકવાર ના જુએ એ વાતમાં માલ જ નથી!
મેં ધાર્યું હોત તો કોલેજનાં કંઈ કેટલાય ઓર્ડીનરી લુક્સવાળા છોકરાને મારી મુઠ્ઠીમાં લઈને રમતાં રમતાં મસળી નાંખ્યા હોત. પરંતુ કોણ જાણે કેમ, મને સૌથી હેન્ડસમ દેખાતા છોકરાને જ મારી જાળમાં બિછાવવાની મઝા પડતી હતી.
ખેર, કોલેજના ત્રણ વરસમાં મારી આ 'સ્પેશીયલ ચોઈસ'ની મોટાભાગના છોકરાઓને ખબર પડી ગઈ હતી. એટલે છેલ્લે છેલ્લે કોઈ મારા હાથમાં આવતું નહોતું.
પરંતુ એ વખતે મને ભાન થયું કે મારે હવે મેરેજ કરી લેવાં જોઈએ. કારણ કે મેરેજ એક એવી સિસ્ટમ છે જેમાં હસબન્ડને પક્કડમાંથી છટકી જવાનો કોઈ ખાસ ચાન્સ નથી હોતો. છતાં જો છટકવા જાય, તો બિચારો બદનામ થઈ જાય!
કોલેજનું ફાઈનલ સેમિસ્ટર પતવાની તૈયારી હતી ત્યારે જ મેં મારા ડેડીને કહી દીધું કે 'ડેડ, ગેટ મિ અ મોસ્ટ એડોરેબલ એન્ડ હેન્ડસમ હસબન્ડ!'
શરૃઆતમાં મારા ડેડી મારા માટે બહુ પૈસાદાર ફેમિલીના છોકરાની વાત લાવતા હતા. પણ મેં ડેડીને સ્પષ્ટ રીતે કહ્યું, 'લુક ડેડ, જો એ હાઈ પ્રોફાઈલ ફેમિલીનો દીકરો હશે તો એક દિવસ મને ડીચ કરીને જતો રહેશે. આઈ નીડ સમવન હું વુડ સ્ટીક ટુ મિ...'
ગુજરાતીમાં આનો જે અર્થ થાય છે તે મને બહુ ગમે છે. મને એક એવો હેન્ડસમ પતિ જોઈતો હતો જે માત્ર મને અને મને જ ચોંટીને રહે!
આવો પતિ મેં શોધી પણ કાઢ્યો. વેલ, મેં એકલીયે નહીં, મારી હેલ્પમાં એક બહુ જ મોંઘી મેટ્રિમોનિયલ સર્વિસનો સ્ટાફ પણ હતો. એ લોકોએ સળંગ ચાર મહિના સુધી મને જાતજાતની ચોઈસીસ ઓફર કરી. ઓફ કોર્સ, બધા જ છોકરા ગુડ લુકિંગ હતા અને બધા જ ઓર્ડીનરી ફેમિલી બેકગ્રાઉન્ડવાળા હતા. પણ મને કંઈ જામતું નહોતું. આઈ મિન, પતિ દેખાવે ભલે સારો હોય પણ પાર્ટીઓમાં, ડિનર્સમાં કે ઓફિસમાં જો સાવ કારકુનની જેમ બિહેવ કરતો હોય તો શું કામનો?
એના કરતાં તો કોઈ હેન્ડસમ ડ્રાઈવર કે શોફર સાથે લગ્ન કરવાં સારાં! એ મૂંગો તો રહે?
એની વે, મેટ્રિમોનિયલ સર્વિસમાં બતાડેલા બીજા હેન્ડસમ છોકરાઓમાં ઘણા સ્માર્ટ પણ હતા. બોલવે ચાલવે અને ફેશનમાં એકદમ એટ્રેક્ટીવ. પણ તકલીફ એક જ હતી. એમાંથી નાઈન્ટી પરસેન્ટ છોકરાઓને મોડલિંગમાં, ટીવી સિરીયલના એક્ટર થવામાં કે ફિલ્મોના સ્ટાર બનવાનાં ખ્વાબ હતાં! મારા માટે આ ખતરાની ઘંટી હતી. એ હેન્ડસમ સ્માર્ટ મારી સાથે મેરેજ તો કરે, પણ પછી મારા જ પૈસા અને મારા જ કોન્ટેક્ટ્સથી એ ટીવી લાઈનમાં કે ફિલ્મ વર્લ્ડમાં જતો રહે તો?
છાપામાં અમારા ઝગડાના ન્યૂઝ છપાય ત્યારે મારા ફોટા કેટલા ખરાબ લાગે?
ખૂબ શોધખોળ પછી, મને જોઈતો હતો એવો, એકઝેક્ટલી એવો જ એક છોકરો મળી ગયો. એનું નામ રોહન હતું. રોહન કોહલી.
સ્વભાવે એ ખૂબ જ શરમાળ અને ઓછાબોલો હતો. મિડલ કલાસ ફેમિલીનો હતો. બિઝનેસ મેનેજમેન્ટ કોલેજમાં ભણવા માટે એને લોન લેવી પડી હતી. પરંતુ સ્ટડીઝમાં એ હોંશિયાર હતો.
મારી ચોઈસ જોઈને ડેડી એકદમ ખુશ થઈ ગયા હતા. 'દામિની, યુ હેવ એન આઈ ફોર ધ રીયલ હીરો!'
હા, મે હીરો જ શોધી કાઢ્યો હતો. લગ્નનાં શરૃઆતનાં ત્રણ વરસ મારા માટે ડ્રીમ-ક્મ-ટુ જેવાં હતાં. અને દર બે-ત્રણ મહિને સ્વીટ્ઝરલેન્ડ, હોનાલૂલૂ, સિંગાપોર, મલેશિયા, યુરોપ, અમેરિકા, ફ્રાન્સ, પેરિસ ક્યાં ક્યાં ફરવા નથી ગયાં એમ પૂછો!
રોહન મારી દરેક માગણીને પૂરી કરતો. શોપિંગની માંગણીની વાત નથી કરતી, એ તો મારા બાપના પૈસા હતા, એમાં એણે શું ધાડ મારવાની? પરંતુ મારી એક એક ક્રેઝીમાં ક્રેઝી શારીરિક ડિમાન્ડને રોહન એક વિશ્વાસુ અને મજબૂત ગુલામની જેમ સંતોષ આપતો હતો. હું સાતમા આસમાનમાં હતી. ઈન્ડિયાના બેસ્ટ ૧૦૦૦ હેન્ડસમ છોકરાઓમાંનો સૌથી બેસ્ટ યંગ મેન મારી તહેનાતમાં હતો.
પરંતુ એ દરમ્યાન મારા પિતાજીને પેરેલિસીસનો હુમલો થયો. રોહને અચાનક બિઝનેસમાં ધ્યાન આપવાનું શરૃ કર્યું. હવે એ ૨૪માંથી ૧૬ કલાક ઓફિસનાં કામોમાં ભટકતો રહેતો હતો.
છતાં એ સેટરડે-સન્ડે ટોટલી મારા માટે ફ્રી રાખતો હતો. મને પણ ધીમે ધીમે આ ફાવી ગયું હતું. મન્ડે ટુ ફ્રાઈડે હું બ્યુટી-પાર્લરોમાં જઈને ટાઈમ પાસ કરતી હતી. પરંતુ એક દિવસ...
એક શનિવારની સવારે વોશિંગ મશીનમાં રોહનનાં કપડાં નાંખવા માટે અલગ કરતી હતી ત્યાં મને એના વ્હાઈટ અંડરવેર પર... હા, બનિયાન પર નહિ, અંડરવેર પર પિન્ક કલરની લિપસ્ટીકના ડાઘ દેખાયા!
એ ક્ષણે મારા અંગેઅંગમાં અચાનક ધગધગતો લાવા ફરી વળ્યો...
કોણ હતી એ પિન્ક લિપસ્ટીકવાળી?

Read More.. Jay Nagar